વલસાડના વાપીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓચિંતા એક પેપર મિલમાં આગ લાગી હતી. વાપી જીઆઈડીસીના પ્લોટ નંબર 97માં આવેલી શાહ પેપરમિલમાં ગુરૂવારના સાંજના ઓચિંતા આગ ભભૂકી હતી. કાગળ અને રો-મટીરીયલ્સ જ્યાં રાખવામાં આવે છે તે જ સ્થળે આગ લાગતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.


આગે થોડી જ વારમાં એવી તો વિકરાળ બની કે પાંચ કિમી દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી. આગના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ તરફ ફાયરબ્રિગેડને જાણ કરાઈ જેને શરૂઆતમાં ત્રણ ફાયર ફાયટરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયર બ્રિગેડને સફળતા ન મળતા આખરે મેજર કોલ જાહેર કરાયો અને 15થી વધુ ફાયર ફાયટરો આગ બૂઝાવવા કામે લાગ્યા હતા.


મેજર કોલના કારણે વાપી GIDC ઉપરાંત વાપી ટાઉન, સરીગામ, ઉમરગામ, દમણ, સેલવાસા અને વલસાડના ફાયર ફાયટરોને કામે લગાડાયા હતા. આ ઉપરાંત ખાનગી કંપનીના ફાયર ફાયટરોને પણ આગ બૂઝાવવા કામે લગાડાયા. વહેલી સવારના સમયે આખરે આગ પર કાબૂ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. આગના કારણે પેપરમિલને કરોડોની નુકસાનીનો અંદાજ છે. જોકે હજુ સુધી આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી..