સુરતઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દ્વારકા-ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યને શંકાસ્પદ લક્ષણો જણાતા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં બે દિવસથી દાખલ થયા છે.


નોંધનીય છે કે, હાલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, મૌલિન વૈષ્ણવ અને ચેતન રાવલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ભરતસિંહ સોલંકી અગાઉ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. જોકે, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલ, તેમની તબિયત સુધારા પર છે.

આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના થયો છે. જેમની તબિયત પણ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.