સુરતઃ આજે નવા મંત્રીમંડળની શપથવિધિ પૂરી થઈ છે અને થોડીવારમાં નવા મંત્રીઓના ખાતાની વહેંચણી પણ થઈ જશે. બીજી તરફ મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા નેતાઓનો અસંતોષ ધીમે ધીમે બહાર આવવાનો શરૂ થયો છે. રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની બેઠક ભાજપ માટે જીતવી હવે અઘરી બનશે તેમ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, સુરતની વરાછા બેઠક જીતવી ભાજપ માટે હવે અઘરી છે. તેમણે વરાછા બેઠક પર આપનું વર્ચસ્વ વધ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમણે વરાછા બેઠક પર ભાજપના મતદારો વિમુખ થયા હોવાનું પણ નિવેદન આપ્યું હતું. 


આજે ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ પછી તેમણે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ.તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે. હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો. 


તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાતી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં  કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા, ખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનાવાની તક મળી. મેં 10 મહત્વાના વિભાગો સંભાળ્યા. હું ક્યારે સત્તાના પાછળ ફર્યો નથી. 


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 
 
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ,  પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. 


જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.  


આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.