સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કેસો છે. ત્યારે સુરતના લીંબાયતમાં એક જ પરિવારના ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરતમાં માતા-પિતા બાદ ભાઈ-બહેન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે લીંબાયત આસ્તિકનગરમાં રહેતા યુવાનનો બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. યુવાન બાદ તેમની પત્નીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેમના પુત્ર અને પુત્રીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને પુત્ર અને પુત્રીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. માતા-પિતા બાદ-ભાઈ બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.



નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 12910 કેસો નોંધાયા છે. જ્યારે 773 લોકોના મોત થયા છે. અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 9449 કેસો નોંધાયા છે, જ્યારે 619 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 6649 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદમાં 5500 લોકો સારવાર હેઠળ છે.

સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યાર સુધીમાં 1227 કેસ નોંધાયા છે, જેમાંથી 57 લોકોના મોત થયા છે. જ્યારે 823 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ હાલ, 347 એક્ટિવ કેસ છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુરતમાં 34 કેસ નોંધાયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. ગઈ કાલે સૌથી વધુ કેસ લીંબાયત વિસ્તારમાંથી સામે આવ્યા હતા.