સુરતઃ લોકડાઉન દરમિયાન પોતાની ફિયાન્સીના ઘરે ફસાઈ ગયેલા યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી તેણે કરેલી શરમજનક ગંદી હરકતથી હતાશ યુવતીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતો તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે મુંબઇના યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે રૂદરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી જાન્યુઆરીમાં સમાજના ધર્મગુરુના કાર્યક્રમમાં ગઇ હતી ત્યારે ત્યાં સેવામાં આવેલા મુંબઈના વોહરા યુવાનના પરિચયમાં આવી હતી. મુંબઇના મલાડમાં પઠાણવાડી વિસ્તારમાં રહેતો યુવાન છોકરીના પરિવારને પણ પસંદ પડતાં બંને સગાઇ કરી દેવાઇ હતી. સગાઇ બાદ યુવક અવારનવાર યુવતીના ઘરે આવતો હતો.

લોકડાઉન દરમિયાન યુવાન સુરતમાં જ ફસાઇ જતાં યુવતીના ઘરે રોકાઇ ગયો હતો. દરમિયાન બંનેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા. એક દિવસ યુવતી નહાતી હતી ત્યારે તેનો વીડિયો મોબાઇલ ફોનમાં શૂટ કરી લઇ તે વાયરલ કરવાની ધમકી આપી મંગેતરે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધની અંગત પળોનું પણ યુવકે મોબાઇલ ફોનમાં શૂટિંગ કરી લીધું હતું. શંકાશીલ સ્વભાવના યુવકે એ પછી યુવતીના ચારિત્ર્ય અંગે શંકા કરવા માંડતાં છોકરી કંટાળી હતી. તેના પરિવારને પણ અણગમો થયો હતો.

આ કારણે યુવતીના પિતાએ સગાઇ તોડી નાંખતાં મુંબઇ પહોંચેલા યુવકે પોત પ્રકાશીને ફિયાન્સીના સ્નાન કરતાં અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતી વખતના ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકીને વાયરલ કરી દીધા હતા. સગીર યુવતીની બદનામી કરવામાં આવતાં યુવતી હતાશ થઇ ગઇ હતી. છોકરીએ ફિનાઇલ ગટગટાવી આપઘાતની કોશિશ કરતાં પોલીસ દોડતી થઇ હતી. અઠવા પોલીસે આ મામલે ત્વરિત મુર્તુઝા વિરુદ્ધ ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર ડી.કે. રાઠોડે તપાસ હાથ ધરી છે.