Surat textile market crisis: સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ટેક્સટાઇલ માર્કેટમાં બનતી ઉઠામણાંની ઘટનાઓને રોકવા માટે કાપડ વેપારીઓને મહત્વની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે તમારી એકતા મજબૂત બની છે, ત્યારે તમારે નક્કી કરવું પડશે કે કોઈને પણ ઉધારમાં માલ આપવો નહીં.
સી.આર. પાટીલે કાપડ વેપારીઓને એક સૂત્ર આપતા જણાવ્યું હતું કે, "ચેક દો માલ લો". એટલે કે, કોઈ પણ વેપારીને ઉધારમાં કાપડનો માલ આપવો નહીં. જે વેપારીઓને કાપડની જરૂર હશે, તેઓને ચેક આપીને માલ લેવો જ પડશે. તેમણે કહ્યું કે ઘણીવાર એવું થાય છે કે કોઈ આપણા સંબંધીનો વેપારી હોય તો આપણે તેને ઉધારમાં માલ આપી દઈએ છીએ, પરંતુ હવે આ વિચારધારા મનમાંથી કાઢી નાખવી જોઈએ. જો આમ થશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી આગળ વધશે અને વધુ મજબૂત બનશે.
સુરતના રીંગ રોડ વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની સામાન્ય સભાનું આયોજન સુરતના સરસાણા ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં કરવામાં આવ્યું હતું. આ સભામાં ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ ઉપરાંત અન્ય હોદ્દેદારો તેમજ અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વેપારીઓને સંબોધિત કર્યા હતા.
વધુમાં મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમો દ્વારા ડ્રેનેજ મારફતે કલરનું પાણી છોડવામાં આવતું હતું, ત્યારે જીપીસીબી પોલીસની જેમ કાર્યવાહી કરતી હતી. ક્લોઝર નોટિસ ફટકારવાની સાથે કોર્ટ કેસ પણ કરતી હતી, જેના કારણે ઉદ્યોગો પર તેની વિપરીત અસર જોવા મળતી હતી. આ બાબતે અગાઉ ઔદ્યોગિક એકમોના માલિકોને એક-એક વર્ષની સજા પણ થઈ હતી. આ ગંભીર બાબત તે સમયના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્યાને લાવવામાં આવી હતી. તે સમયે જીપીસીબી કોર્ટમાં કેસ કરતી હોવાથી આ સમગ્ર મામલામાં ના તો જીપીસીબી હસ્તક્ષેપ કરી શકતી હતી ના તો રાજ્ય સરકાર. જેના કારણે સમયનો પણ ખૂબ જ મોટો વ્યય થઈ રહ્યો હતો. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીની મધ્યસ્થી બાદ જીપીસીબીને સૂચના આપવામાં આવી હતી અને કોર્ટ કેસ ન કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારથી માંડી આજ દિન સુધી એક પણ એકમ સામે કોર્ટ કેસની કોઈ કાર્યવાહી અથવા પગલાં લેવાયા નથી.
આ પણ વાંચો....
૮મા પગાર પંચની ૮ મહત્વની વાતો, સરકારી કર્મચારીઓએ આ મહત્ત્વપૂર્ણ કામની વાત જાણવી જોઈએ