સુરતમાં એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. પુણા વિસ્તારની માતૃશક્તિ સોસાયટીમાં ૮૦ વર્ષીય વૃદ્ધ અને અશક્ત સાસુને તેમની વહુ દ્વારા ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.


ઘટનાની વિગતો


૮૦ વર્ષીય શાંતાબેન શેલડીયાને તેમની વહુ સરસ્વતી શેલડીયા નિર્દયતાથી માર મારી રહી હતી. પાડોશમાં રહેતા એક જાગૃત નાગરિકે વહુની આ કરતૂત પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો વાયરલ થતાં જ વહુની નિષ્ઠુરતાનો ભાંડો ફૂટી ગયો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વૃદ્ધ સાસુના શરીર પર કપડાં પણ ન હતા અને વહુ તેમને માર મારીને હાથથી પકડીને ઢસડી રહી હતી. તેઓ પલંગ પરથી નીચે પડી ગયા હોવા છતાં વહુને તેમના પર દયા ન આવી.






મહિલા સુરક્ષા સંસ્થા અને પોલીસની કાર્યવાહી


વહુની આ ક્રૂરતાનો વીડિયો વાયરલ થતાં જ મહિલા સુરક્ષા ટ્રસ્ટની બહેનો તાત્કાલિક હરકતમાં આવી અને પોલીસને જાણ કરી. પુણા પોલીસ મહિલા સુરક્ષા ટ્રસ્ટની બહેનો સાથે વૃદ્ધાના ઘરે પહોંચી અને તેમને મુક્ત કરાવવાના પ્રયાસ કર્યા. જો કે, વૃદ્ધાના પૌત્ર હિરેન શેલડિયાએ તેના દાદીને લઈ જવાની મનાઈ કરી, જેના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસ વૃદ્ધાના પરિવારજનોને પોલીસ સ્ટેશને લઈ ગઈ, જ્યાં તેમણે મીડિયા સમક્ષ બે હાથ જોડી પોતાની ભૂલ સ્વીકારી હતી.


સ્થાનિકો દ્વારા વીડિયો બનાવ્યા બાદ સામાજિક સંસ્થાની મદદથી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા, પરિવારે પણ પોતાની ભૂલ સ્વીકારી, વહુએ પસ્તાવો વ્યક્ત કર્યો. સુરતમાં ૮૦ વર્ષના વૃદ્ધાને તેમની વહુ દ્વારા માર મારવાનો એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો હતો. આ ઘટનાનો હવે સુખદ અંત આવ્યો છે.


સ્થાનિક લોકોએ વૃદ્ધાને માર મારતો વીડિયો બનાવીને એક સામાજિક સંસ્થાને મોકલ્યો હતો. સંસ્થાની મહિલાઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેના પગલે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સામાજિક સંસ્થાએ વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની માંગ કરી હતી, જેને પોલીસે સ્વીકારી હતી.


હાલમાં વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં સામાજિક સંસ્થા દ્વારા તેમને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન, વૃદ્ધાના પરિવારના સભ્યો, જેમાં તેમના પૌત્ર અને વહુનો સમાવેશ થાય છે, તેઓ પણ વૃદ્ધાશ્રમ પહોંચ્યા હતા. માર મારનાર વહુને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે અને તેમણે વૃદ્ધાશ્રમમાં પોતાની સાસુ સાથે રહેવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાનો આ એક સુખદ અંત છે, જ્યાં પરિવારે પોતાની ભૂલ સમજીને વૃદ્ધાની સંભાળ લેવાનો નિર્ણય લીધો છે.


આ પણ વાંચો...


8મું પગાર પંચ: પટાવાળાથી IAS સુધી, કોના પગારમાં કેટલો વધારો થશે?