SURAT  : ગુજરાત સરકારની પોલીસકર્મીઓ માટેની 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. હવે સરકારની આ જાહેરાત પર રાજકીય પાર્ટીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રકાર પરિષદ કરી સરકાર પર પ્રહારો કર્યા. શૈલેષ પરમારે ગુજરાત સરકારની આ જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી છે,તો હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પણ પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહારો કર્યા છે. 


ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે : ગોપાલ ઈટાલીયા 
આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. પોલીસે ગ્રેડ પે મામલે અવાજ ઉઠાવ્યો અને સરકારે પોલીસ નો અવાજ દબાવી દીધો. કેજરીવાલે પોલીસની તરફેણમાં બહેધરી આપતા પોલીસો જવાનોએ આ વાત વધાવી લીધી હતી. કેજરીવાલના નિવેદનથી જે પોલીસને સાંભળતા ન હતા તેમને સાંભળ્યા છે. કેજરીવાલ ના નિવેદન પછી 550 કરોડ વધાર્યા છે, ન મામો કરતા કાણો મામો સારો એમ કર્યું છે. 


ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે : ગોપાલ ઈટાલીયા 
ગુજરાત સરકારની આ જાહેરાત અંગે ગોપાલ ઈટાલીયાએ કેટલાક પ્રશ્નો સરકારને પૂછયા છે. તેમણે કહ્યું કે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ કરાઈ, બદલી કરાઈ એનું શું? હવે શું કરશે સરકાર એનો જવાબ આપે. 


પોલીસ 15 થી 20 કલાક કામ કરે એનું શું કર્યું?પોલીસ જોખમમાં કામ કરે, બુટલેગર હુમલાનો ભોગ બને એનું શું? અલગ અલગ એલાઉન્સ નું શુ? ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે.


આ સાથે ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે પોલીસ સાથે ભેદભાવ કરવામાં આવે  છે, અત્યારે જે આપ્યું એ લઈ લઈએ, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે. 


સરકારની જાહેરાત પર શું કહ્યું કોંગ્રેસે ? 
ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓ માટે વાર્ષિક 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નરની કચેરીએ આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી.  જો કે ગ્રેડ-પે વધારાની પોલીસકર્મીઓની માંગ સામે આ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.  


પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે રાજ્યની રક્ષા કરતા પોલીસકર્મીઓને સરકારે  રેવડીની ભેંટ આપી છે. તેમણે કહ્યું કે ગ્રેડ-પેની માંગણી હતી ત્યાં સરકારે હાસ્યાસ્પદ જાહેરાત કરી છે અને સરકાર ફરી ગઈ છે. 


વધુમાં તેમણે કહ્યું કે પગાર વધારો ભંડોળ સ્વરુપે ન હોય, સરકારે  પોલીસની મજાક કરી છે. સરકારે પોલીસકર્મીઓના પગારમાં એક મહિને 4895 રૂપિયાનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે રાજય સરકારને પોલીસકર્મીઓ તરફથી અને કોંગ્રેસ તરફથી પૂછી રહ્યો છું કે પોલીસકર્મીઓની મજાક કેમ કરી?