સુરતઃ મહારાષ્ટ્રમાં કોરાનાએ ફરીથી ઉથલો મારતાં અમુક જિલ્લાઓમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં મનપાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હજુ પણ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ છે, ત્યાં કોરોનાના કેસો વકરવાની દહેશત છે, ત્યારે જ ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર ફરી લોકડાઉન જેવા દ્રશ્યો દેખાવાના શરું થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા વલસાડ જિલ્લામાં તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ભીલાડ ચેક પોસ્ટ પર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકીંગ શરૂ કરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રવેશતા લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરાઈ રહ્યું છે.

ગુજરાતમાં પ્રવેશતા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીની નોધ કરવાનું પણ શરું કરી દેવામાં આવ્યું છે. ભીલાડ ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.