સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને તાપી જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.

હાલ, રાજ્યમાં માત્ર 5 જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. જેમાં ત્રણ દક્ષિણ ગુજરાતના, એક મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતનાજિલ્લાઓની વાત કરીએ તો આ ત્રણેય જિલ્લાઓમાં અત્યારે 50થી ઓછા એક્ટિવ કેસો છે. જેમાં ડાંગમાં ગુજરાતમાં સૌથી ઓછા માત્ર 15 જ એક્ટિવ કેસો છે. જેથી આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ડાંગ માટે સૌથી સારી વાત એ પણ છે કે, અહીં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી.



આ પછી વલસાડ જિલ્લામાં 38 અને તાપી જિલ્લામાં 46 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં 22 એક્ટિવ કેસો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદમાં 42 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 100થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 79, ખેડામાં 69, મહીસાગરમાં 89, નર્મદામાં 77, નવસારીમાં 64 એક્ટિવ કેસો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ 2550 એક્ટિવ કેસો છે. આ પછી ભરુચમાં 255 એક્ટિવ કેસો છે. આ સિવાયના એક પણ જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસો નથી.



ગુજરાતમાં કોરોનાના નવા કેસો સામે દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. તેમજ અત્યારે આ દર 86 ટકાને પાર થઈ ગયો છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસથી નવા આવનારા કેસો કરતા વધુ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ, ગુજરાતમાં 16,485 એક્ટિવ કેસો છે. ગઈ કાલે નવા 1311 કેસ નોંધાયા હતા. જેની સામે 1414 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે રાજ્યનો સાજા થવાનો દર 86.35 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ, 1,26,657 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. ગુજરાતમાં હાલ, અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. પરંતુ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે.

ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. ગઈ કાલે રાજ્યમાં 1311 કોરોના કેસ નોંધાયા હતા. તેમજ વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 પર પહોંચ્યો છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે.