લોકડાઉન ખૂલ્યા બાદ સુરતના હીરાના કારખાનાના કારીગરોમાં સંક્રમણ વધ્યું હતું. પરંતુ હાલમાં સુરતના હીરા બજાર અને હીરા બજારમાં આવેલી ઓફિસમાં સંક્રમણ વધી રહ્યું છે. મ્યુનિ. તંત્ર હીરા બજારમાં ટેસ્ટ ઓછા કરી રહી હોવા છતાં પોઝીટીવ કેસ વધુ આવી રહ્યા છે. જેના કારણે મ્યુનિ. કમિશ્નરે સુરતના મહિધરપુરા હીરા બજાર, મીની બજાર અને નંદુડોશીની વાડી જેવા બજારમાં ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરીને આક્રમક ટેસ્ટીંગ માટેની સુચના આપી છે.
હીરા બજારમાં હાલ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરીને ભારે ભીડ થઈ રહી છે અને અનેક લોકો માસ્ક પણ પહેરી રહ્યાં નથી. જેના કારણે હાલ હીરા દલાલો સુપર સ્પ્રેડર્સ બની રહ્યાં છે. સુરતમાં હીરા બજારમાં હાલ જે ટેસ્ટ થઈ રહ્યાં છે તે ઓછા છે અને પોઝીટીવની સંખ્યા વધુ હોવાનું મ્યુનિ. તંત્ર જણાવી રહ્યું છે. જેના કારણે હવે સુરતના હીરા બજારમાં કોવિડના ટેસ્ટમાં વધારો કરવા સાથે બજારમાં ઓફિસ હોય ત્યાં પણ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા માટે સુચના આપવામાં આવી છે.
બુધવારે સુરતમાં કોરોનાના 181 કેસ નોંધાયા હતા અને245 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 2 વ્યક્તિને કોરોના ભરખી ગયો હતો.