નવસારીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ગણદેવી નગરપાલિકામાં 24 માંથી 24 બેઠકો ભાજપના ફાળે ગઈ છે.

ભાજપ શાનદાર દેખાવ કરીને વિજયકૂચ કરી રહ્યો છે અને ભુજ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ભુજ નગરપાલિકામાં કુલ 40 બેઠક છે અને તેમાંથી 21 બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. વોર્ડ નંબર 10માં ભાજપની પેનલની જીત થતાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો જીતી છે.

ગીર સોમનાથની નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ઉના નગર પાલિકામાં 36માંથી 35 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. જોકે, કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને એક પણ બેઠક જીતી શક્યા નથી. આ કોંગ્રેસના નેતા પૂંજા વંશનો વિસ્તાર છે, જેમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર આવ્યા છે અને માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો છે. કોંગ્રેસે માળિયા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 20 પર કબજો કરીને ભાજપને કારમી પછડાટ આપી છે. માળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1થી વોર્ડ નંબર 5માં કોગ્રેસની જીત થઈ છે અને દરેક વોર્ડની ચાર-ચાર બેઠકો કોંગ્રેસે જીતી છે.