સુરતઃ સુરત પાસેના બારડોલીની યુવતીએ ડેપ્યુટી કલેકટર તરીકે ઓળખ આપી કતારગામના બિલ્ડરને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે. યુવતીએ બિલ્ડરવે નવસારીમાં સરકારી પડતર જમીન અપાવવાના બહાને 1 કરોડ રૂપિયા પડાવી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


કતારગામ-સિંગણપોર રોડ પર અશોકનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર ગુણવંત વલ્લભભાઈ આંબલિયા 2016માં તેમના એડવોકેટ મિત્ર નિલેશ પીપલિયાની ઓફિસમાં રામદેવસિંહ ઉમટ (રહે. ચ-ટાઈપ સેક્ટર-22,ગાંધીનગર)ને મળ્યા હતા.  રામદેવસિંહ ગાંધીનગરમાં રેવન્યુ વિભાગમાં સેક્શન અધિકારી રતા હોવાનું જણાવ્યું હતું. તેમણે  નવસારીમાં સિસોદ્રા ગામની તળાવની સરકારી પડતર જમીન વેચાણથી અપાવવા અને એ માટે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું કહીને અરજી કરતી વખતે એડવાન્સમાં એક કરોડ રૂપિયા આપવા જણાવ્યું હતું. એક વર્ષમાં કામ થશે એવું પણ કહ્યું હતું.

રામદેવસિંહે નેહા વાઢેર સાથે મુલાકાત કરાવી તેની ઓળખ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળનાં ડેપ્યુટી કલેક્ટર  તરીકે આપી હતી. નેહાએ કહ્યું કે, તે હાલ સસ્પેન્ડ છે. ગુણવંતભાઈએ એક કરોડ રૂપિયા રામદેવસિંહ અને નેહાને આપ્યા હતા.   નેહા અને રામદેવસિંહે   પ્રોસેસ ચાલુ છે એ બહાને છ મહિના ખેંચી કાઢ્યા હતા પણ જમીન અપાવી ન હતી.

બિલ્ડરની ધીરજ ખૂટતાં નેહાએ રૂપિયા પરત આપવાની બાહેંધરી આપી હતી અને 36 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. નેહાએ તે સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હોવાથી રિટર્ન થયો હતો. ગુણવંતભાઈએ નેહા વાઢેર (નેહા તે ધર્મેશ ભરત પટેલની પત્ની) રહે.મોતા રોડ,બાબેન ગામ, બારડોલી તથા સુમન સાગર, સુડાના મકાનમાં, ઉધના-મગદલ્લા રોડ) અને રામદેવસિંહ લક્ષ્મણ ઉમટ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં બોગસ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રામદેવસિંહની ધરપકડ કરી છે.