સુરતઃ સુરતના હજીરામાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં ધડાકા સાથે વિકરાળ આગ લાગી છે. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી રહી છે. હજીરા ઈંડસ્ટ્રીઝની તમામ ફાયરની ટીમ અને સુરતની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. આગને કાબૂમાં લેવા ઘણા કલાકો લાગી શકે છે.


ONGC કંપનીમાં થયેલા ધડાકાથી ગામવાસીઓ ધ્રૂસી ગયા. પોલીસની ટીમ પણ પ્લાન્ટ તરફ રવાના થઈ ગઈ છે. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. મુબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસ પાઇપ લાઇનના માધ્યમથી ONGCના આ પ્લાન્ટમાં ગેસ પુરવઠો સંગ્રહ કરાતો હતો જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરા ઉપરી થતા અફરા તફરી મચી ગઇ છે. આ ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. આગને કાબૂમાં લેવામાં ઘણા કલાકો લાગી શકે છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળી રહી છે.

સુરતના ડીએમ ધવલ પટેલે કહ્યું કે, ઓએનજીસી ગેસ પ્લાન્ટમાં લાગેલ આગ હાલમાં ઓન સાઇન ઇમરજન્સીની સ્થિતિમાં છે. તેમનું કહેવું છે કે, ઓપ સાઇટ ઇમરજન્સી ન હોવાને કારણે આસપાસના લોકોને પૈનિક કરવાની કોઈ જરૂરત નથી.

તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્લાન્ટમાં જ્યારે કોઈ પણ મોટી સમસ્યા પ્લાન્ટની અંદર જ મર્યાદિત હોય તો તેને ઓન સાઇટ ઇમરજન્સી કહે છે, જ્યારે સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થવા પર પ્લાન્ટની બહાર સુધી આગ ફેલાઈ જાય તો તેને ઓફ સાઇટ ઇનરજન્સી કહે છે.