નર્મદાઃ ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે. 


રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ ભરાયો છે. ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ ભરાયો છે.  હવે માત્ર 0.20 ફૂટ બાકી છે. નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે. અમરેલી જીલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલ ડેમમાં 785 ક્યુસેક પાણીની આવક છે. ડેમ 91.01 ટકા સુધી ભરાયો છે. 


ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. ઉપરવાસ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ શેત્રુંજીમાં 4000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલ ડેમ ની સપાટી પહોંચી 32 ફૂટ  ઇંચ પર છે. શેત્રુંજી ડેમ છલ્લોછલ ભરતા જિલ્લાને પીવાના પાણી પ્રશ્ન હલ થશે તો સાથે ધરતીપુત્રોને પિયતનું પાણી મળી રહેશે.


ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો  થયો છે. હાલ ડેમની સપાટી 333.93 ફૂટ છે. ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં પાણીની આવક..1,01,840 ક્યુસેક છે. ડેમમાંથી પાણીની જાવક 800 ક્યુસેક છે. મહારાષ્ટ્રના હથનુંર ડેમના 36 ગેટ ફૂલ ઓપન કરી 65,368 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે પ્રકાશા ડેમમાંથી 5 ગેટ ફૂલ ઓપન કરી 78,005 ક્યુસેક પાણી ઉકાઈડેમમાં આવી રહ્યું છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદને પગલે આગામી દિવસોમાં પણ ઉકાઈડેમની સપાટીમાં વધારો નોંધાશે. આગામી એક વર્ષ સુધી સિંચાઈ તેમજ પીવાના પાણીનો  પર્યાપ્ત જથ્થો ઉકાઈડેમમાં ઉપ્લબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાત ના લોકો માટે રાહતના સમચાર છે.