સુરતમાં આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપ 42 બેઠકો પર આગળ હતો જ્યારે આમ આદમી પાર્ટી 16 બેઠકો પર આગળ નિકળતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. સુરતમાં કોંગ્રેસ પણ શરૂઆતના ટ્રેન્ડમાં 6 બેઠકો પર આગળ હતી અને મતગણતરી આગળ વધતી ગઈ એ પછી પણ 6 બેઠકો પર જ આગળ રહી હતી.
સુરતનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ અને આણ આદમી પાર્ટી વચ્ચે રસાકસી જોવા મળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 120 બેઠકો છે અને તેમાંથી 64 બેઠકોના ટ્રેન્ડ જોવા મળ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર આપતાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો હતો પણ ભાજપે પછી સારો દેખાવ કરીને સત્તા કબજે કરવાની દિશામાં આગેકૂચ કરી છે.