સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શાળાઓનું વેકેશન ખોલવાને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે દિવાળી સુધી સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે. જેને કારણે રાજ્યના લાખો વાલીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.દિવાળી બાદ રાજ્યમાં કોરોના ની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.


ગુજરાત સરકારે દિવાળી સુધી શાળાઓ નહીં શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે એબીપી અસ્મિતાએ સુરત અને વડોદરાના વાલીઓ સાથે આ અંગે વાત કરી હતી. સુરતના વાલીઓએ વેક્સીન વગર દિવાળી બાદ પણ સ્કૂલે બાળકોને નહીં મોકલીએ. વેક્સીન હશે તો જ બાળકોને સ્કૂલે મોકલીશું, તેમ સુરતના વાલીઓએ જણાવ્યું હતું.

હાલ વિદેશમાં કેસો ઓછા છે એટલે સ્કૂલો ચાલુ થઈ છે. ગુજરાતમાં કેસોની સંખ્યા ઘટી નથી એટલે હજી ડર છે. વડોદરાના વાલીઓ પણ શાળા શરૂ થાય તોય શાળાએ મોકલવા તૈયાર નથી. બાળકોના સ્વાસ્થ્ય માટે વાલીઓ ચિંતિત છે. એક જ વર્ષમાં બાળકો વકીલ, ડોક્ટર કે પીએચડી થવાના નથી તો શા માટે કોરોના સંક્રમણમાં બાળકોને ધકેલવા તેઓ વડોદરાના વાલીઓનો મત છે. ખાનગી શાળાઓની ફી ઉઘરાણી માટેનો કારસો હોવાનું વાલીઓ માની રહ્યા છે. હજુ સુધી કોરોનાની રસી શોધાઈ નથી ત્યારે બાળકોનું રિસ્ક સરકાર ન લે, તેમ વાલીઓ જણાવી રહ્યા છે.