હાલ ગુજરાતના મોટા ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં પા ઈંચથી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 10 વાગ્યા સુધીમા વઘઈમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. સવારે 6થી 10 સુધીમાં કપરાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આહવામાં અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

સવારે 6થી 10 સુધીમાં વાંસદા, કપરાડા, ડોલવણ, ગણદેવી, ઉમરગામમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો તો સુરત, માંગરોળ,ચીખલી,
નવસારી, ખેરગામમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કામરેજ, હાંસોટ, વલસાડ, જલાલપોર, વાગરામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પારડી, માંડવી, પલસાણા, બારડોલી, વાલોડ, વ્યારામાં પોણો ઈંચ વરસાદ પડ્યો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ પડશે.