સુરત: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહો જામ્યો છે ત્યાર સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના લિંબાયત વિસ્તાર પાણી પાણી થયો છે. રોડ-રસ્તાઓ, દુકાનો, મકાનો જ્યાં જુઓ ત્યાં ખાડીપુરના પાણીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો હતો. સ્થાનિકોના ઘરોમાં છાતી સુધીના પાણી ભરાયા છે તો ખાડીના આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પર્વત પાટીયાથી લિંબાયત અને મિલેનિયમ માર્કેટથી લિંબાયતમાં પ્રવેશતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

લિંબાયત વિસ્તારના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીને ઉલેચવા માટે લિંબાયતની મીઠી ખાડી કિનારે પમ્પ લગાવવામાં આવ્યા છે પરંતુ પાણી ઉલેચવા માટે લગાવેલા પંપ નિષ્ફળ થયા છે. ખાડીની દિવાલોમાંથી પાણી નીકળી રહ્યા છે.

સુરતના ખાડીપુરમાં હજુ પણ પુરનું પાણી ઉતર્યુ નથી. સુરતમાં તમામ ખાડીઓએ ભયજનક સપાટી વટાવતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. સુરતના પર્વત પાટીયા, વાલક, સીમાડા, સરથાણા, સણીયામાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. કુંભારીયા, સારોલી,વેલંજા,મીઠી ખાડી, ફુલવાડી સહિતના વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે.

SMCએ નીચાણવાળા વિસ્તારોમાંથી 270 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. રણછોડનગર અને માધવ રેસીડંસીમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી. ફાયર વિભાગે સ્થાનિકો માટે રાહત સામગ્રીની મદદ પહોંચાડાઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. CM રૂપાણીએ સુરત કલેક્ટર સાથે વાત કરીને પ્રસાસનને એલર્ટ રાખવાની સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જરૂર પડ્યે તો સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. નાવડી ઓવારા પર બેરીકેડ લગાવીને પ્રવેશ બંધી કરાઈ છે. ઉકાઈ ડેમમાંથી 64 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે.