Surat Rain: સુરત શહેરમાં આજે નવરાત્રિના આઠમા નોરતે સાંજથી શરૂ થયેલા વરસાદે ગરબા પ્રેમીઓની મજા બગાડી છે. ગાજવીજ સાથે વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજનો પર પાણી ફેરવી દીધા છે.


શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો છે.


વરસાદની અસર:



  • પાર્ટી પ્લોટ અને ખુલ્લા મેદાનોમાં આયોજિત ગરબા સ્થળોએ પાણી ભરાયા

  • મજુરા ગેટ વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા

  • વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

  • ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું


હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. સાંજે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ રાત્રે મુશળધાર બન્યો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


હવામાન વિભાગની આગાહી


નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.


અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે. આ સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


પ્રથમ દિવસે: ઠંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા, બીજા દિવસે: સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના.


ત્રીજા દિવસે: ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદની શક્યતા છે.


વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટશે, ત્યારબાદ ફરી વધારો થવાની સંભાવના છે.


નોંધનીય છે કે આ સિઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે.


દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ




દક્ષિણ ગુજરાતમાં આજે આઠમા નોરતે વરસાદી માહોલે નવરાત્રિ ઉત્સવમાં વિઘ્ન નાખ્યું છે. સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગરબા પ્રેમીઓની મજા બગડી શકે છે.


નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે નવસારીમાં અનેક ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર થઈ ગયા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે થઈ રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે.