ગાંધીનગર : રાજ્યમાં આગામી 3 દિવસમાં છુટા છવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 37 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 26 જુલાઇ બાદ વરસાદ ઓછો થશે.


હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દમણ દાદરા નગર હવેલી તાપી, ડાંગ, નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા અને લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીના સાવરકુંડલા અને ગ્રામીણ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા ગ્રામીણના વીજયાનગર, બાઢડા, જાબાળમાં પણ ભારે પવાન સાથે વરસાદ પડી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગામની બજારો અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા છે.