સુરતઃ ગુજરાતમાં યોજાયેલી 6 મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે, ત્યારે હવે આ તમામ મનપામાં કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. સુરત કોર્પોરેશનમાં ભાજપે 120માંથી 93 બેઠકો કબ્જે કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં 27 બેઠકો મેળવી છે.


સુરત કોર્પોરેશનમાં આ વખતે મહિલા મેયર બનશે. સુરતના મેયરપદ માટે સૌથી વધુ શક્યતા યુવા મહિલા નેતા હેમાલી બોઘાવાલાની છે. આ ઉપરાંત દર્શિની કોઠિયાનું નામ પણ મેયર માટે ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને મેયર બનાવે છે તે જોવાનું રહ્યું.



અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની ફરીથી સત્તા આવતાં જ હવે કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. અમદાવાદ કોર્પોરેશનના નવા મેયર હિમાંશુ વાળા અથવા તો ચંદ્રકાંત ચૌહાણ બને તેવી શક્યતા છે. જોકે, મેયરનું નામ જાહેર થાય પછી જ ખબર પડશે કે, કોના પર કળશ ઢોળાય છે.