Surat: ડાયમંડ નગરી સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બાઇક સવાર ત્રણ મિત્રોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત, એક યુવક નો પગ કચડાયો અને અન્ય એક યુવક નો બચાવ થયો. સુરતમાં સચિનના ગભેણી-બુડિયા વચ્ચે ઘટના બની હતી.
હિટ એન્ડ રનની આ દુર્ઘટનામાં પાછળ બેસેલા બે પૈકી એકનો ડાબો પગ કચડાઈ ગયો હતો. સચિન GIDC પોલીસ દ્વારા અજાણ્યા ટ્રૃક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સચિનના ગભેણી ગામમાં સારંગ ફળિયામાં રહેતો 21 વર્ષીય વિનમ્ર ખલાસીનું મોત થયું હતું. વિનમ્ર પરિવારમાં મોટો દીકરો હતો. એક નાનો ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. તેના પિતા મિલમાં ડિઝાઈનર તરીકે કામ કરે છે અને વિનમ્ર ડીઆરબી ભાણા કોલેજનો વિદ્યાર્થી હતો. ટ્રકચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો.
વિનમ્ર પોતાના મિત્રને કામ પરથી પરત લઈ ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે બાઇક સવાર ત્રણ મિત્રોને અડફેટે લઈ ભાગી ગયો હતો. જોકે, આ અકસ્માતમાં એક મિત્રનો આબાદ બચાવ થયો હતો. રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા વિનમ્ર અને ધ્રુવને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં વિનમ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકના મિત્ર ધ્રુવનો ડાબો પગ કચડાઈ ગયો હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું. યુવકને કાળમુખી ટ્રક ભરખી જતા પરિવાર સહિત આખું ગામ શોકમાં ગરકાવ થયું હતું. હાલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કલોલમાં અરવિંદ મિલમાં નોકરી કરતો યુવક સાયકલ લઈને મોટી ભોયણ આવેલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ નીકળેલા બાઈક ચાલકે સાયકલને ટક્કર મારી હતી આ અકસ્માતમાં સાયકલ સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બાબતે મળતી માહિતી અનુસાર જયેશભાઈ વીરચંદભાઈ પરમાર કલોલના ખાત્રજ ગામે આવેલી અરવિંદ મીલમાં નોકરીએ ગયા હતા અને નોકરી પૂરી કરી સાઇકલ લઇ તેવો મોટી ભોયણ ગામે આવેલ ટાટા હાઉસિંગમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વખતે બાઈક ના ચાલકે તેનું બાઈક ગફલત ભરી રીતે હંકારીને સાયકલને ટક્કર મારી હતી આ અકસ્માતમાં સાયકલ સવાર જયેશભાઈ ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.