સુરત:  યુવરાજ સિંહની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવરાજની ધરપકડમાં કોઈ વધારાની કલમો લગાવાઈ નથી. યુવરાજસિંહ જે પણ મુદ્દા લાવ્યા છે એના પર સરકારે ધ્યાન આપ્યુ છે. તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણની મેટરમાં આટલુ ઈન્વોલ્વ ન થવુ જોઈએ. પરીક્ષાર્થીઓની પરીક્ષાને લઈને પણ ખાસ કાળજી રાખવી જોઈએ. રાજ્યમાં ઠેર ઠેર થઈ રહેલા વિરોધને કારણે હવે રાજ્ય સરકાર નરમ પડી હોય તેમ લાગી રહ્યું છે.


આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. કોઈ પણ જાતની અફવામાં ન આવવા અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી છે.


યુવા અગ્રણી યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેદન પત્ર તેમજ રેલી અને સુત્રોચાર કરી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુવરાજસિંહને મુક્ત કરવાની માંગ સાથે આ પ્રદર્શન રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાયા હતા. ગાંધીનગરમાં પોલીસ કામગીરીમાં રૂકાવટના આરોપસર પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી હતી , હાલ યુવરાજસિંહ જ્યુડિશીયલ ક્સ્ટ્ડીમાં છે 


ગાંધીનગરમાં વિદ્યા સહાયકોના વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા પ્રદર્શનકારીની તબિયત લથડતા યુવરાજસિંહ તેની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયાનો આરોપ તેમની વિરૂદ્ધ લાગ્યો હતો અને તેમની જ કારના વિડિયો ફુટેજ પોલીસે જાહેર કર્યા હતા.


તો બીજી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ ચીમકી આપી છે. તેમણે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ચીમકી આપી છે. જે.પી. જાડેજાએ કહ્યું, જીતુ વાઘાણીની શિક્ષણમંત્રી પદ પરથી બાદબાકી થવી જોઈએ. શિક્ષણમંત્રીએ યુવાનોની માફી માગવી જોઈએ. જીતુ વાઘાણીના મત વિસ્તારમાં જ જે.પી. જાડેજાએ  ચીમકી આપી છે. આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી છે. નોંધનિય છે કે, યુવરાજસિંહ કોણ છે તે મુદ્દે રાજપૂત કરણી છે વાઘાણીથી નારાજ છે.