સુરત: સુરતના હજીરા સુંવાલી ગામમાં પતિ પત્નીની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ દંપત્તિ અંગે સામે આવેલી વિગતો અનુસાર થોડા દિવસ પહેલા જ છત્તીસગઢથી મજૂરી કામ માટે સુરત આવ્યા હતા. આ ઘટના અંગે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પતિએ પહેલા પત્નીને માર મારી હત્યા કરી હોવાનું અનુમાન છે. હત્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત થોડાં દિવસ પહેલા પણ બને વચ્ચે ઝગડો થયો હોવાની વાત સામે આવી છે. ઘટના બાદ હજીરા પોલીસે લાશને PM માટે હોસ્પિટલ ખસેડી વધું તપાસ હાથ ધરી છે.


કતારગામ વિસ્તારમાં લક્ઝરીયસ કારનો અકસ્માત


સુરત શહેરના કતારગામ વિસ્તારમાં અકસ્માતની એક અજીબ ઘટના ઘટી છે. કતારગામમાં એક ચાર રસ્તા પાસે બે નબીરાઓએ બેફામ રીતે લક્ઝરીયસ કાર ચલાવી અને આ અકસ્માત સર્જ્યો હતો. ચાર રસ્તા પાસેથી વળાંક લઈને આ કાર એટલી પૂર ઝડપે ચલાવી કે કાર ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં ગઈ અને પલટી મારી ગઈ. આ સમયે રોડની બીજી બાજુ ત્રણ યુવાનો ઉભા હતા, જો કે આ ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયૉ છે.  


વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ ગઈ અને પલટી મારીને આડી પડી ગઈ. અકસ્માતની આ ઘટના ઘટતા જ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા અને કારમાં સવાર બે યુવકોને બહાર કાઢ્યા હતા અને બાદમાં કારને સીધી કરી હતી. આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. કારમાં સવાર બે યુવકોને નાની મોટી ઈજાઓ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


સુરતમાં કિશોરી પર બળાત્કાર કરી બનાવી ગર્ભવતી


સુરતના ગોડાદરામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર થયાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર આરોપી યુવકે કિશોરી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે કિશોરી ડિપ્રેશનમાં જતી રહી હતી અને ધોરણ 12ની પરીક્ષા આપવા ના જતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બાદમાં તપાસ કરતા કિશોરી ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.