સુરત: છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ, ઉમરપાડા, દમણ, સેલવાસ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં સરેરાશ 5 ઈંચ જેટલો ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં બારે મેધ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં ખાબક્યો છે. વલસાડમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણો વલસાડમાં પાણી જ પાણી થઈ ગયું છે. આ ઉપરાંત કપરાડામાં 8.6 ઈંચ, વાપીમાં 8 ઈંચ, ધરમપુરમાં 8 ઈંચ, પારડીમાં 5.70 ઈંચ અને ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જ્યારે નદી-નાળાઓ છલકાઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. 9 ઈંચ વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરી વળ્યાં છે.

છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાક દરમિયાન બોડેલીમાં 5 ઈંચ, છોટાઉદેપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાવી જેતપુરના કલારાણી ગામે માલવણ ફળિયામાં 50 વર્ષીય મહિલા કનુડીબેન પ્રતાપભાઇ નાયકા અને તેમની પૌત્રી એક કોઝવે પરથી પસાર થતા હતા ત્યારે ઘૂઘવાતા પાણીમાં તણાયા હતા. જોકે તેમને બચાવી લેવાયા હતાં.