સુરત: શહેરમા અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. પાલ ગૌરવ પથ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે મોપેડ પર જઈ રહેલા યુવકને જોરદાર અડફેટે લીધો હતો. જેમાં મોપેડ પર સવાર યુવક 10થી 12 ફૂટ ઉછળી જમીન પર પટકાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બીજી તરફ એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ બનાવ અંગે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર ગામ પાસે રહેતા પ્રવીણભાઈ પટેલ વેપારી છે.દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. પ્રવીણભાઈ એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. તેમજ તેમનો પુત્ર ધ્રુવાંગ કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ પટેલ ગતરોજ સવારે 11:30 વાગ્યાના સુમારે તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે મોપેડ ગાડી પર ટર્ન લઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી ફોક્સવેગનના કાર ચાલકે ધ્રુવાંગની મોપેડને અડફેટે લીધી હતી. ધ્રુવાંગ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાયો હતો. જેથી ધ્રુવાંગને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી મોપેડ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યો છે તે વેળાએ કાર ચાલકે તેને અડફેટે લેતા તે જોરદાર ફંગોળાઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં કારચાલકને પોલીસે અટકાયત કરી હતી અને અકસ્માત સર્જનાર કારને પણ પોલીસ કબજે કરી હતી. જ્યા સમગ્ર મામલે પોલીસે 18 વર્ષીય કાર ચાલક દેવ નીતિન પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યા આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પાસે કાર ચલાવવાનું લર્નિંગ લાયસન્સ જ છે. જોકે પોલીસે કારચાલકની ધરપકડ કર્યા બાદ જામીન પર તેનો છુટકારો પણ થઈ ગયો છે.
ધ્રુવાંગ માતા-પિતાનો એકનો એક દીકરો હતો.ભણવામાં હોશિયાર હતો. SY Bcom નો વિદ્યાર્થી અને સુરતની ટોપ કોલેજ KP કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકનો એક દીકરો અકસ્માતમાં મોતને ભેટતા પરિવાર આઘાતમાં સરી પડ્યું છે.