સુરત: શહેરમાં ગ્રીષ્માની હત્યા મામલે આજે સજાને લઈને કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સરકારી વકીલની દલીલો શરૂ છે. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ શરૂ કરી છે. આરોપી ફેનીલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલો કરી રહ્યા છે. તો બીજી તરફ  સરકારી વકીલ દલીલ કરતા ગળગળા થઈ ગયા હતા આ ઉપરાંત ગ્રીષ્માના પરિવારના સભ્યો પણ કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, જો આરોપી ફેનીલને કડક સજા નહીં કરવામાં આવે તો કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. ભય વગર પ્રીત ન બંધાય, ભય વગર કાયદાનો ડર નહીં રહે.


ફેનિલને કોર્ટે  દોષિત જાહેર કર્યો હતો


સુરતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસના  આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.  કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને દોષિત જાહેર કર્યો હતો. ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હવે ફેનિલને કેટલી સજા થશે તે બાબતે બંન્ને પક્ષના વકીલો દલીલો કરશે. ગ્રીષ્માનો પરિવાર  કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો.


નોંધનીય છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આકેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. હવે સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસે ફિનેલને દોષિત જાહેર કર્યો છે.


રાજ્યના DGPને 26 એપ્રિલે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા સુપ્રીમ કોર્ટનો આદેશ
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના ડીજીપીને 26 એપ્રિલે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.  ઘરેલુ હિંસા, દહેજના ત્રાસથી કંટાળીને તેમજ પોતાનું સ્ત્રીધન ગુમાવી બેઠેલી વિસનગરની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહિલાની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.


પત્ની અને બાળકને છોડીને વિદેશ ભાગી ગયેલા પતિ કે તેનું સરનામું શોધવામાં નિષ્ફળ રહેલી ગુજરાત પોલીસની કામગીરી અને રાજ્ય સરકારના વલણ સામે ચીફ જસ્ટીસ ઓફ ઈંડિયાના વડપણવાળી બેંચે સમગ્ર મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી.