Gujarat Rain: રાજ્યમાં અવિરત વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમા પડેલા ભાગે વરસાદથી અનેક જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. તો બીજી તરફ અનેક ડેમો ઓવરફ્લો પણ થયા છે. જેના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાતવાસીઓને પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા ઘણાખરા અંશે સમાપ્ત થઈ છે.
વાત કરીએ સુરત જિલ્લાની તો અહીં કેટલાક ડેમો હાવ 70 ટકાથી લઈને 100 ટકા સુધી ભરાઈ ગયા છે. સુરત જિલ્લાની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. 160 ફૂટની મહત્તમ સપાટી વટાવી 161.11 ફૂટથી ઓવરફ્લો થયો છે. ચાલુ સીઝનમાં બીજી વાર આ ડેમ ઓવરફ્લો થયો છે.
ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો સર્જાયા છે. સુરત જિલ્લાના ડેમો ભરાઈ જતા ખેડૂતોની ખુશીનો પાર નથી રહ્યો. સતત વરસી રહેલા વરસાદને લઈ ડેમોમાં પાણીની આવક વધી છે. માંડવી તાલુકાનો લખી ડેમ પૂર્ણતાના આરે છે. ડેમની કુલ સપાટી 74.10 મીટર જ્યારે હાલ ડેમમાં 73.63 મીટર પાણી ભરાઈ ચૂક્યું છે. આ વિસ્તારના લોકો મોટા ભાગે ડેમના પાણીથી જ ખેતી કરે છે. આ ઉપરાંત માંડવીનો ગોળધા ડેમ ઓવરફ્લો પણ ઓવરફ્લો થયો છે. ગોળધા ડેમ ચાલુ સીઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો 20 સેમીનો વધારો
ગુજરાત અને આસપાસના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારમે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. બપોરે 3 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.80 મીટર નોંધાઈ હતી. તમને જણાવી દઈએ કે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 39,101 ક્યુસેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 46,729 ક્યૂસેક નોંધાઈ છે. રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં પાણીની જાવક 10,859 ક્યૂસેક છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક 5,397 ક્યુસેક છે. આમ પાણીની આવક વધતા છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે.
તો બીજી તરફ ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.
એટલું જ નહીં ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા પશુઓને પણ આ વિસ્તારમા ન લઈ જવા સૂચના આપી છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે ડેમમાં પાણીની આવકમાં હજુ પણ વધારો થઈ શકે છે.