સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસો સૌથી વધુ હતા. પરંતુ હવે સુરત શહેરને કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. સુરતમાં મોડી રાત્રે વધુ 5 કોરોનાના દર્દીઓના મોત થયા છે. ગઈકાલે પણ 12 દર્દીઓના કોરોનાને કારણો મોત થયા હતા. આ સાથે જ સુરત જિલ્લામાં કુલ મૃત્યુ આંક 187 પર પહોંચ્યો છે. જેમાંથી 19 મોત ગ્રામિણ વિસ્તારના છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગઈકાલે પણ સુરતમાં કુલ 180 નવા કેસ નોંધાયા હતા. ઉપરાંત 112 લોકો ગઈકાલે સાજા થઈને ઘરે ગયા હતા. આ સાથે જ સુરત જિલ્લામાં હાલમાં કુલ 1438 એક્ટિવ કેસ છે. એટલે કે 1438 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે.

સુરત જિલ્લામાં સારી વાત એ છે કે અત્યાર સુધીમાં કુલ 3429 લોકો સારવાર લઈને ઘરે ગયા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 47693 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં 13065 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.