સુરતમાં ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારે વરસેલા વરસાદ બાદ લિંબાયત વિસ્તાર જળબંબાકાર થયો હતો. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. નીલગીરી ગ્રાઉંડ નજીક વરસાદી પાણીનો ભરાવો થયો હતો.




રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા નોકરી ધંધાર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગટર મારફતે વરસાદી પાણીનો નિકાલ ન થતા ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ નજીવા વરસાદમાં ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નિવાસસ્થાન નજીક શ્રીનાથજી સોસાયટીમાં પાણીનો નિકાલ થયો નહોતો જેના કારણે પાણી ભરાતા વહેલી સવારે નોકરી અને ધંધાર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ કાંઠે આવેલા લોકોના ઘરો અને દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા.                      


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યો


છેલ્લા 24 કલાકમાં નર્મદાના નાંદોદમાં ખાબક્યો સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં અઢી ઈંચ, અંકલેશ્વરમાં અઢી ઈંચ,  જલાલપોરમાં અઢી ઈંચ, નવસારીમાં સવા બે ઈંચ, ભરૂચમાં બે ઈંચ, ચુડામાં બે ઈંચ વરસાદ, ડેડિયાપાડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.                          


છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં પોણા બે ઈંચ, ખાંભામાં પોણા બે ઈંચ, જામકંડોરણા, લીંબડીમાં પોણા બે ઈંચ, ભચાઉ અને માણાવદરમાં સવા ઈંચ વરસાદ, ગરૂડેશ્વર, ધોલેરા, નેત્રંગમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.  સુત્રાપાડા, કપરાડા, કોડીનાર, આહવા, વ્યારા, જંબુસર, ભૂજ, ભેંસાણ, કાલાવડ, મેંદરડા, ઉમરગામ, રાજુલામાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.               


રાજ્યમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.