સુરતઃ દારૂ-જુગારની લતે ચઢી દેવાળીયા થયેલા પતિએ ઘરમાં જ જુગારધામ શરૂ કરનારા યુવકે પોતાના ભાઈની પત્નિ સાથે શારિરિક સંબંધો બાંધ્યા પછી તેને લઈને ભાગી ગયો હતો. નાના ભાઈની પત્નિ સાથેના સંબંધોના કારણે પત્નિને શારિરીક-માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતા પત્નિએ પુણા પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ દંપતિને બે સંતાનો છે.


આ ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર-મહુવાની વતની યુવતીનાં લગ્ન 10 વર્ષ અગાઉ રત્નકલાકાર વિપુલ વનમાળી ચૌહાણ (રહે. ભાણવડ, તા. મહુવા, ભાવનગર) સાથે થયાં હતાં. દંપતિને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના થોડા જ સમયમાં વિપુલે દારૂ-જુગારની લતે ચઢી જઈ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

વિપુલે નોકરી પણ છોડી દીધી હતી. બેકાર બનેલા વિપુલે પૈસાની માંગણી કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતા મામલો મહુવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. વડીલોની દરમ્યાનગીરીથી સમાધાન થતાં યુવતી પતિ વિપુલ સાથે વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેવા આવી ગઇ હતી. જો કે વિપુલે જુગાર રમવાનું ચાલુ રાખતાં દેવું થઇ ગયું હતું અને ઉઘરાણી માટે લેણદારો ઘરે આવતા હોવાથી પુણા વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા.

વિપુલ અને દિયર મેહુલે આ ભાડાના ઘરમાં પણ જુગારધામ શરૂ કરી દીધું હતું. આ દરમ્યાનમાં વિપુલ અને મેહુલની પત્નીની આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. વિપુલ મોટા ભાગનો સમય તેના ભાઇના ઘરે પસાર કરતો હતો અને નાના ભાઈની પત્નિ સાથે રંગરેલિયાં મનાવતો હતો.

લોક્ડાઉન શરૂ થતા મેહુલ અને તેની પત્ની સાથે વિપુલ પણ વતન ચાલ્યો ગયો હતો. 14 જૂને વિપુલ પરત આવ્યો હતો અને યુવતીને છુટાછેડા આપી દેવા કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતાં વિપુલ ભાઇની પત્નિ સાથે ભાગી ગયો હતો. બંને ઓલપાડમાં રહેતાં હોવાની ખબર પડતાં યુવતી 16 જુલાઇએ ઓલપાડ ગઇ હતી. તેણે વિપુલ અને તેની પ્રેમિકાને સાથે નાસ્તો કરતા જોતાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

પોલીસ આવીને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં પણ વિપુલે પત્નિને માર માર્યો હતો. આ મુદ્દે વિપુલના પરિજનોએ સમાધાન કરવાનું કહેતાં બધાં સંબંધીના ઘરે ભેગા થયા હતા. સંબંધીના ઘરે પણ વિપુલે પત્નિનું ગળુ દબાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતાં યુવતીએ પુણા પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે પતિ વિપુલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.