Surat News: નિલેશ કુંભાણીને આજે કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ  નિર્ણય લીધો હતો. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્સનના ગણતરીના કલાકોમાં જ નિલેશ કુંભાણી સોશિયલ મીડિયા મારફત સામે આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું, હું મોવડી મંડળના સતત સંપર્કમાં હતો. બાબુભાઈ માંગુકિયા જોડે મારી વાત થઈ હતી. સગા સંબંધી અને પરિવારજનોને મેં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી જોડે છે, ડરવાની કોઈ જરૂર નથી. અમદાવાદ પિટિશન દાખલ કરવા માટે હું જઈ રહ્યો હતો ત્યારે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે જઈ વિરોધ કર્યો અને મને પરત ફરવા માટે મજબૂર કર્યો.


2017માં પણ મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફર હતી


આ ઉપરાંત તેમણે કહ્યું, જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પહેલાથી જ ભાજપમાં બેસી ગયા હતા. આ લોકો મારા ડોર ટુ ડોર અને સભામાં પણ હાજર રહ્યા નહોતા. મને એકલો છોડી દેવામાં આવ્યો હતો. પ્રચાર પ્રસાર પણ હું એકલો કરી રહ્યો હતો. વર્ષ 2017માં પણ મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફર હતી અને ભાજપમાં બેસી જવા માટે કહ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી મને પ્રચાર પ્રસાર ધીમું રાખવા જણાવ્યું હતું. કેટલાક કાર્યકર્તાઓએ પણ 2700 જેટલા મત મને મળી રહ્યા હતા પરંતુ તેઓએ આ કાર્ય કર્યું ન હતું, ત્યારે મારી સાથી મિત્રોએ ભાજપની આ ઓફર સ્વીકારી હતી.  મોટા વરાછા ખાતે પરેશ ધાનાણીની સભા પહેલા કોંગ્રેસના બે આગેવાનો ભાજપમાં બેસી ગયા હતા.


પ્રતાપ દુધાતને લઈ કહી આ મોટી વાત

ઇન્ડિયા ગઠબંધન હેઠળ પ્રચાર પ્રસાર કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. ફોર્મ ભરતા પહેલાં મેં પ્રતાપ દુધાતનો ઘણો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, મોવડી મંડળને પણ આ બાબતની જાણકારી હતી. પ્રતાપ દુધાત મારી જોડે ફોર્મ ભરવા આવ્યા હોત તો આ પરિસ્થિતિ ઉદભવી ન હોત. હું એક પણ એવું નિવેદન ના આપું કે મારી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય.