Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની 25 સહિત દેશની 94 બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જોકે આ દરમિયાન વલસાડ ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ મતદાનથી વંચિત રહેશે. જે પાછળનું કારણ ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું મતદાન સુરત બેઠક અંતર્ગત આવે છે. સુરત બેઠક બિનહરીફ થતાં ધવલ પટેલ મતદાન નહીં કરી શકે. સુરતથી વલસાડ વોટિંગ ટ્રાન્સફર નહીં થતાં ધવલ પટેલ પોતાને મત નહીં આપી શકે.


પહેલી વખત વલસાડ બેઠકના બંને  ઉમેદવારો જિલ્લા બહારના

વલસાડ બેઠક પર બંને ઉમેદવારો જિલ્લા બહારના છે. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ પણ નવસારી ના વાંસદા વિધાનસભા વિસ્તારમાં મતદાન કરશે. પહેલી વખત વલસાડ બેઠકના બંને  ઉમેદવારો જિલ્લા બહારના છે.




ગુજરાતની 25 લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે. વડાપ્રધાન મોદી સાતમી તારીખે સવારે 7.30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. પીએમ મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નીકળી જશે. વડાપ્રધાન મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે.