Gujarat Assembly Election 2022: સોમવારના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જો કે આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર પર ચોંકાવનારા આરોપ લાગતા રાજકારણ ગરમાયું છે. સુરતના મજૂરાના કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન સામે ચૂંટણી માટેનાં નાણાં ઘરે લઈ ગયાનો કાર્યકર્તાઓ દ્વારા આરોપ લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બલવંત જૈનને વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટી દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ બલવંત જૈન દ્વારા માત્ર 20 લાખનો જ ખર્ચ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દીપ નાયકને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. બલવંત જૈનને 50 લાખ રૂપિયાનું ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી ઓછા નાણાંનો ખર્ચ કરવાની સાથે અન્ય નાણાં અંગત કામમાં લઈ લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. જેથી કાર્યકરોની આ ફરિયાદ અંગે પ્રદેશ કોંગ્રેસમાં પણ જાણ કરવામાં આવી છે.
દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે અરવલ્લીના માલપુરના અણિયોર ચોકડી નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ છે. દારૂ ભરેલી સ્કોર્પિયો અણિયોર નજીકથી પસાર થવાની હોવાની સ્થાનિકોને બાતમી મળી હતી. જે બાદ યુવાનોએ ભેગા મળી દારૂ ભરેલી સ્કોર્પિયોને અટકાવી હતી. કાર અટકતાં જ તેમાં સવાર કેટલાક નામી વ્યકતિઓ નાસી છૂટ્યા હતા. સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી. સૂત્રના જણાવ્યા મુજબ, દેશી દારૂ આવતીકાલે યોજાનાર મતદાન માટે અગ્રણી પક્ષ દ્વારા વિતરણ કરવા લઈ જવાતો હતો. હાલ માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પણ મતદાન પહેલા લક્ઝુરિયર્સ કારમાં પકડાયો દારૂ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદારોને લલચાવવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત થયા બાદ અનેક પ્રકારની લાલચ અપાતી હોય છે. આ દરમિયાન વડોદરામાં મતદાન અગાઉ દારૂનો જથ્થો ઝડપાયો છે. રણોલી મિલન પેટ્રોલ પંપ પાસેથી ગ્રામ્ય પોલીસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર સહિત બે કાર ઝડપી પાડી હતી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો જાણીતા રાજકીય નેતાનો હોવાનો પોલીસને શંકા છે. દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય મોરચે ફફડાટ ફેલાઇ ગયો છે. ફોર્ચ્યુનર કારનો નંબર જીજે-06-એલઈ-455 છે અને તેની નંબર પ્લેટ પર જય માતાજી લખેલું છે.
દરિયાપુર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી ખળભળાટ
સોમવારે અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ પહેલા અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના લેટરની ખળભળાટ મચી ગયો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું, અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં અસામાજીક તત્વો, બુટલેગરોને ખુલ્લો દોર અપાયો છે. એટલુ જ નહી, ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ ભાજપને મદદ કરવા મતદારોને ધમકી આપી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
દરિયાપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે ખુદ ક્રાઈમબ્રાંચના એસપી ભરત પટેલ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ મતદારોને કૉંગ્રેસને મત ન આપવા ડરાવી-ધમકાવી રહ્યા છે. આ તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ચંદ્રેશ વ્યાસ, કિશોર મારવાડી, લાલા ધોબી, સંજય ઉર્ફે ચીકુ, જીમી પટેલ, નરેશ પટેલ, વાકી બાબુલાલ જૈન, બંદિશ ખત્રી, મુકેશ ચૌહાણ અને નરેશ ઝુલાવાળો આ બધાય બુટલેગરો અને અસામાજીક તત્વો મતદારોને ડરાવી ધમકાવી રહ્યા છે