સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે સુરતમાં સૌથી વધુ દૈનિક કેસો આવી રહ્યા છે. સુરત કોર્પોરેશન દ્વારા દર્દીઓને સામેથી પકડી પાડવા માટે એક્ટિવ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે સુરતમાં કોરોનાનો દર્દી વતન ભાગી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.


મળતી વિગતો પ્રમાણે મૂળ અમરેલીનો અને સુરતના સીમાડા વિસ્તારમાં રહેતા પરેશ કોરોટને કોરોના માટેનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સંક્રમણ ન ફેલાવે તે માટે પરેશને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જોકે, કોરોનામાં હોમ ક્વોરેન્ટાઇન થયેલ યુવાન અમરેલી ભાગી છૂટ્યો છે.

પરેશ કોરાટ પરિવાર સાથે અમરેલીના દમરાણા જતો રહેતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.