ભરુચઃ શહેરમાં સોનતલાવડી વિસ્તારમાં યુવકે ભાભી અનૈતિક સંબંધમાં પિતરાઈ ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આણંદ ખાતે રહેતા યુવકે પિતરાઈ ભાઈને બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા કરી પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં દાડી દીધો હતો. મૃતકની પત્નીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પુછપરછમાં ભાંગી પડેલાં યુવકે કબુલાત કરતાં હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ઘટનાના 38 દિવસ બાદ સ્થળ પર જઇ તપાસ કરતાં કંકાલ મળી આવ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે, ભરૂચના સોનતલાવડીમાં રહેતાં સંજય મંગા દેવીપૂજકને આણંદ ખાતે રહેતાં પિતરાઇ ભાઇ મફત માનસંગ દેવીપુજકની પત્ની મંજુ સાથે પ્રેમસંબંધ બંધાયા હતાં. દરમિયાન સંજયે અનેકવાર મંજૂને તેના પતિને છોડી પોતાના ઘરે આવી જવા કહ્યું હતું. જોકે મંજુએ ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન લોકડાઉનમાં મંજૂના પતિ મફતે તેની બાઇક વેંચી દીધી હતી. તેમજ નવી બાઇક ખરીદવા માટે મફતે સંજય પાસે રૂપિયાની માંગણી કરી હતી. આ તકનો લાભ લઈ સંજયે તેને ભરૂચ બોલાવ્યો હતો.

ગત 26મી જૂલાઇએ મફત સંજય પાસે રૂપિયા લેવા માટે આવ્યો હતો. આ પછી તે એક મહિના સુધી મફત ઘરે પરત નહીં આવતાં પત્ની મંજુએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે પૂછતાછ કરતાં સંજયે મફતની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. હત્યા અંગે મૃતકની પત્ની મંજુને પણ જાણ હતી.

ઘટનાના 3 દિવસ બાદ પતિની શોધખોળ કરવા ગયેલી મંજૂને સંજયે તેના પતિને મારી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ મંજુ, તેના ભાઇ કમલેશ અને ભાભી ગીતાને પણ ધમકી આપી હતી. પોલીસે સંજયની કબૂલાતને આધારે જેસીબી વડે ખોદાવતાં મૃતકનો કંકાલ મળી આવ્યો હતો. મૃતદેહના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના માથામાં ઇજાઓના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે સંજયની ધરપકડ કરી તેને કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.