સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. યુવકને છરીના ઘા મારીને હત્યા કર્યા પછી લાશ કોથળામાં બાંધી દીધી હતી. ઘટનાની જાણ મોડી રાતે ઉધના પોલીસને થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી છે અને હત્યાની ઘટના અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.


મળતી વિગતો પ્રમાણે, મૂળ ઓરિસ્સાના અને લિંબાયતમાં રહેતા મિત્તુ બટુક પ્રધાન(ઉં.વ.30)ની લાશ ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં મકાનમાંથી મળી આવી હતી. જ્યાંથી લાશ મળી તે મૃતક મિત્તુના સાઢુભાઈ કંદરપા પ્રધાનનું મકાન છે. ઓરિસ્સામાં જમીન મુદ્દે બંને સાઢુભાઈઓ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો.

બુધવારે મિત્તુ જમીન મુદ્દે વાત કરવા માટે કંદરપાના ઘરે જતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા કંદરપાએ મિત્તુ પર ચાકુથી ઘા કરીને ગળુ કાપી નાખ્યું હતું. આ પછી લાશ કોથળામાં બાંધીને ત્યાંજ મુકીને રૂમ બંધ કરીને નાસી ગયો હતો. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ દોડી આવી હતી, તેમજ તપાસમાં તે લાશ મિત્તુની હોવાનું જણાયું હતું. પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી કંદરપાને ડિટેઇન કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.