ગોડાદરામાં માન સરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતો ગણેશ બુગલૈયા અંકમ (ઉં.વ. 36, મૂળ ઓરંગલ, તેલંગણા) ઉધના ખાતે કોર્પોરેટ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. 2011માં તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ શ્વેતા રામબાબુ કોટા સાથે થયા હતા. આ લગ્નજીવનના પરિણામે તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે.
દરમિયાન પત્ની શ્વેતાને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા અને બંને રંગરેલિયાં મનાવતા હતા. ગણેશે તેમને રંગે હાથ પકડી લીધા હતા, પણ તેણે પત્ની શ્વેતાને સમજાવવાની કોશિશ કરી હતી. શ્વેતા આ મુદ્દે વારંવાર ઝઘડા કરતી હતી અને વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારઝૂડ અંગે ફરિયાદ આપી હતી. આ ગુનામાં પોલીસે ગણેશની અટક પણ કરી હતી.
દરમિયાન ચારેક માસ પહેલાં સાળો વિશાલ, સસરા રામબાબુએ ગણેશને ઢોરમાર મારી “હવે પછી મારી દીકરી શ્વેતા પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ” એવી ધમકી આપી હતી. બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. છેલ્લા ચાર માસથી તે અહીં કંપનીમાં જ રહે છે. વર્ષ સોસાયટીમાં રહેતા સાઢુએ પણ સાસરી પક્ષનું ઉપરાણું લઇ એલફેલ બોલી તેને માર માર્યો હતો.
દરમિયાન 23 ઓક્ટોબરે બપોરના સુમારે ગણેશ છોકરાઓના ખબરઅંતર પૂછવા ગયો તો પત્ની શ્વેતાએ ઝઘડો કરી ધમકી આપી હતી. આ અત્યાચારથી કંટાળીને ગણેશે ઊંઘની ગોળીઓ ખાઇ ડાબા હાથની નસ કાપી નાંખી હતી. ગણેશને સારવારાર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. લિંબાયત પોલીસે ગણેશ અંકમની ફરિયાદના આધારે પત્ની શ્વેતા, સાળા વિશાલ, સસરા રામબાબુ કોટા અને દોનાલા (તમામ રહે. શ્યામ હાઇટ્સ, ગોડાદરા) સામે ગુનો નોંધી તપાસ આદરી છે.