સુરત: એક  ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરવામાં ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલા  22.28 લાખની છેતરપિંડી કરી છે. આ ઉપરાંત પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડીડીયાપાડા,કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.




આ ચીટર મહિલાએ ચિટિંગ કરવામાં ભલભલા ગુનેગારોને પાછળ રાખી દીધા છે.જી હા અમે વાત કરી રહ્યા છીએ બારડોલીના બાબેન ગામની નેહા પટેલની. આ મહિલાની ચિટિંગ કરવાની ઢબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. ક્યારેક ડેપ્યુટી કલેક્ટર તો ક્યારેક એસ.પી બનીને મહિલા ચિટિંગ કરી રહી છે. માંડવી તાલુકાના તારાપુર ગામના ખેડૂત રામુ ચૌધરીને પણ આ મહિલા ચિટરનો ભેટો થઈ ગયો. પોતે નર્મદા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત હોવાનું જણાવી મહિલાએ રામુ ચૌધરીને પોતાની જાળમાં ફસાવ્યો અને સ્ટેચ્યુ પરથી બહાર પડતા કામોમાં પૈસા રોકી ત્યાંથી મોટું કમિશન મળવાની લાલચ આપી રામુ ચૌધરી પાસેથી 22.28 લાખ પડાવી લીધા. જોકે પોતે છેતરાયો હોવાનું ભાન થતા રામુ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મહિલા ચીટર પોલીસના હાથે આવી ગઈ.


ચિટિંગનો આ સિલસિલો 2018 થી શરૂ થઈ ગયો હતો. 2018માં મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી યોગેશ મનસુખ વિરાનીને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી એગ્રીકલચાર ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફર કરાવી આપવા તેમજ સુરતના વેસુ ખાતે આવેલી એક જમીન જંત્રીના ભાવે અપાવવાના નામે 32 લાખ પડાવી લીધા હતા. 




ત્યારબાદ અડાજણ ખાતે રહેતા રવજી ખોખર નામના ફરિયાદીને 2021મા પોતાની વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકે ઓળખ આપી અને નકલી આઈકાર્ડ બતાવી અડાજણ સ્ટાર બજાર ક્રોમાં સેન્ટર પાછળ આવેલી સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની કહી તેમજ કામરેજના વાલક ગામે આવેલી 73 AA વાળી એક જમીન ટાઇટલ ક્લિયર કરી ફાળવણી કરી આપવાના નામે 1.55 કરોડ પડાવ્યા હતા.


ત્યારબાદ ડેડીયાપડા પાડાના કૃતિક ચૌધરીને પોતે સુરત જિલ્લા પોલીસ વડા તરીકેની ઓળખ આપી, ગાડીમાં પોલીસ તરીકેની પ્લેટ લગાવી. પોલીસ વરદી તેમજ કેપ પહેરી ફરિયાદીને વન વિભાગમાં આર એફ તો તરીકેની નોકરી અપાવવાના નામે 13 લાખ પડાવ્યા હતા. 


આ ઉપરાંત સુરતના કતારગામ ના ફરિયાદી ગુણવંત ભાઈ આંબલિયાને વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી નવસારી ખાતે આવેલી એક જમીન સસ્તામાં અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે.