સુરતઃ રાજ્યમાં ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસની કાર્યવાહી યથાવત છે. સુરત પોલીસે સરથાણા વિસ્તારમાં આજે વધુ એક ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપી પાડી છે. થોડા દિવસ અગાઉ સુરત પોલીસે રાજસ્થાનના રહેવાસી પ્રવિણ બિશ્નોઈની ધરપકડ કરીને તેની પાસેથી પાંચ લાખ 85 હજાર 300ની કિંમતનો 58.530 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. જેની તપાસ કરતા આખરે આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં રહેતા વોંટેડ આરોપી જૈમીન સવાણીએ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે આરોપી જૈમીન સવાણીને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરી હતી. પોલીસે બાતમીના આધારે જૈમીનને ભાવનગરના ઉમરાળામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે જૈમીનને ડ્રગ્સની લત લાગી જતા તે રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવીને નશો કરતો હતો. સાથે જ ચોરી છૂપીથી વેચાણ પણ કરતો હતો. ત્યાર બાદ જૈમીનને એમડી ડ્રગ્સ જાતે બનાવવાનો વિચાર કરતા સોશલ મીડિયા પરથી એમડી ડ્રગ્સ બનાવવાના વીડિયો જઈને તેના માટે જરૂરી રો મટિરિયલ્સ અને લેબોરેટરીના સાધનો ઓનલાઈન મંગાવી તેની સરથાણા વિસ્તારમાં આવેલ ઓફિસમાં મિની લેબોરેટરી ઉભી કરીને ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે પણ આરોપીને સાથે રાખીને સરથાણા જકાત નાકા, મિતુલ ફાર્મ રોડ પરની પરમ સ્કૂલની બાજુમાં આવેલ રાજવીર શોપિંગ સેંટરની ઓફિસ નંબર 207માં રેડ કરીને આરોપીની ઓફિસમાંથી ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતુ કેમિકલ પાવડર, લિક્વીડ અને લેબોરેટરીના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.