સુરત: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગે સુરતમાં દરોડા પાડતા ચકચાર મચી છે. સુરતમાં મેગા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હીરાના મોટા ગજના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ સુરતમાં આયકર વિભાગે દરોડા પાડતા ભારે હલચલ મચી જવા પામી છે.


 



આવકવેરા ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવના અને અરિષદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશભાઈ અને હિંમતભાઈને પણ ઝપેટનાં લેવામાં આવ્યા છે.


ત્રણેયના રહેઠાણ ઉપરાંત ઓફીસો તથા બિલ્ડીંગ સાઈટો પર પણ દરોડામાં આવરી લેવામાં આવ્યા છે. ૪૦ જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કોરી પકડાયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.


દરોડા ઓપરેશન શરૂ થતા હીરા ઉદ્યોગ સહિત સમગ્ર વેપાર ઉદ્યોગ આલમમાં ખળભળાટ સર્જાયો છે. રાજકીય પ્રત્યાધાતો પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની પ્રક્રિયા દરમિયાન પણ ત્રણ વખત ગુજરાતમાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સુરતમાં ગઈકાલે જ વિધાનસભાનું ચૂંટણી મતદાન પૂર્ણ થયું હતું અને તેના બીજા જ દિવસે આજે સવારથી  આવકવેરા વિભાગે ગુજરાતમાં ચૂંટણી બાદ દરોડાનો દોર શરુ કર્યો હોવાથી વેપાર-ઉદ્યોગકારોમાં અને રાજકીય વર્તુળોમાં અનેકવિધ શંકાકુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


જેતપુર નજીક યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા અરેરાટી


રાજકોટ: જિલ્લાના વીરપુર કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અને યુવતીએ પડતું મૂકતાં અરેરાટી મચી ગઈ છે. ટ્રેન હેઠળ પડતું મુકનાર યુવક અને યુવતીના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોરબંદરથી શાંતાકોજી તરફ જતી ટ્રેન હેઠળ વીરપુર પાસે પડતું મૂકી આ બન્નેએ આપઘાત કરી લીધો છે. યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું પોલીસનું અનુમાન છે. વીરપુર પોલીસે પહોંચીને યુવક અને યુવતીની ઓળખાણ મેળવવા તજવીજ હાથધરી છે. આ બન્નેએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સામે આવ્યું નથી.