સુરત: સુરતના પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. ટોળાએ પથ્થર મારો કર્યો હતો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


કડોદરા રોડના વરેલી ગામ પાસે પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની માંગ સાથે હોબાળો કર્યો હતો. વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, પથ્થરમારો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.


પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પણ પરપ્રાંતિયો રોડ પર ઉતરી આવી હોબાળો મચાવ્યો હતો.