Surat Rain: સુરતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે, સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં સુરતના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો પલસાણામાં અને નવસારીના ખેરગામમાં 10-10 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ સુરતની મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે, અચાનક વરસાદી પાણી વધી જતાં મીંઢોળા નદી ગાંડીતૂર બની છે અને નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં સ્થિતિ દયનીય બની છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવયો યથાવત છે. ડોસવાડા ડેમ ભયજનક સ્થિતિએ પહોંચતા મીંઢોળા નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારે બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે અને ગાંડીતૂર બની છે. મીંઢોળા નદીના પાણી તલાવડી વિસ્તાર અને કૉર્ટની સામેના ખાડા સહિત 50થી વધુ ઘરોમાં ઘૂસી ગયા છે. અહીં રહેતા મોટાભાગના શ્રમિકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં તરતી થઇ છે. ખાસ વાત છે કે, ભારે વરસાદના એલર્ટ વચ્ચે હજુ પણ વરસાદ ખાબકી રહ્યો છે, અને વહીવટી તંત્રએ લોકોને સલામત સ્થળે તાત્કાલિક ધોરણે ખસી જવા અપીલ કરી છે.
હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સુરત, ભાવનગર, અમરેલી, નર્મદા, ગીર સોમનાથ, ભરૂચમાં અતિભારે વરસાદ થવાની શક્યતા હોય રેડ એલર્ટ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહલ અને દાહોદમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.