સુરતઃ લોકડાઉન દરમિયાન સુરતના ભાજપના મહિલા કોર્પોરેટરે પોતાના લેટરપેડ પર દાખલો બનાવી આપી બસ રવાના કરાવી હોવાનો આક્ષેપ થયો છે. આક્ષેપ છે કે, કલેક્ટરના બદલે મહિલા કોર્પોરેટરે બસને વતન જવા પરમિશન આપી છે. વોર્ડ નંબર-1ના મહિલા કોર્પોરેટર હિના ચૌધરી સામે આ આક્ષેપો થયા છે. આ અંગે કોર્પોરેટર હિના ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધવા કમિશ્નર અને કલેક્ટરને અરજી પણ કરવામાં આવી છે. જોકે, આ મામલે નવો વળાંક આવ્યો છે. તેમજ ભલામણ લેટરનો દુરુપયોગ થયો હોવાનો કોર્પોરેટરના પિતાએ દાવો કર્યો છે.


અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ પોલીસ ફરિયાદ કરવા અરજી કરી છે. કોર્પોરેટરના દાખલાના કારણે બસને રસ્તામાં 10 હજારનો તોડ થયો હોવાનો તેમજ લોકો પરેશાન થયા હોવાનો દાવો કરાયો છે. દાખલા પર માંગરોળ કલાસ 2 મેડિકલ ઓફિસરનો સિક્કો પણ છે. ત્યારે આ અંગે હિના ચૌધરીના પિતા રાજેશ ચૌધરી સામે આવ્યા છે. તેમણે ખુલાસો કર્યો છે કે, તોડબાજ અને લેભાગુ તત્વોએ ભલાભણ લેટરને પરમિશન લેટર બનાવી નાંખ્યો છે. કોસંબા નજીક બસ આંતરી તોડબાજોએ 10 હજારનો તોડ કર્યો છે. ઉપરાંત કોર્પોરેટર હિના ચૌધરીના પિતાને પતાવટ કરવા તોડબાજો ફોન કરતા રહ્યા હતા. હિના ચૌધરી તોડબાજો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવશે.