Lok Sabha Election 2024: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. પ્રોફેસર રાજેન્દ્ર પટેલ ગણદેવીના સાલેજ ગામમાં બુથ પર ફર્નિચરની સુવિધા જોવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન અચાનક ઢળી પડ્યા, જે બાદ હાજર લોકોએ પ્રોફેસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક રાજેન્દ્ર પટેલબીપી બારીયા કોલેજમાં ગણિત વિષયમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં હતાં. પ્રોફેસરના અવસાનથી કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હૃદય રોગ સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો.


હાર્વર્ડ મેડિકલ સ્કૂલ (રેફ.) જણાવે છે કે, જ્યારે ગરમી વધે છે ત્યારે હૃદયને પણ વધુ કામ કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ વધી જાય છે. આ દબાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર તાણ લાવે છે, જે સાયલન્ટ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.


જ્યારે દર્દીમાં તેના લક્ષણો દેખાતા નથી ત્યારે સાયલન્ટ હાર્ટ એટેક કહેવાય છે. આ લક્ષણો એટલા હળવા હોય છે કે દર્દી તેમની અવગણના કરે છે અને ખતરનાક પરિસ્થિતિમાં પરિણમી શકે છે. આવો જાણીએ આ સંકેતો વિશે.


હાર્ટ એટેક વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ સાયલન્ટ હાર્ટ એટેકમાં આ સમસ્યા એકદમ હળવી લાગે છે. આમાં એવું લાગે છે કે કોઈ કારણસર તમારો શ્વાસ વધવા લાગ્યો છે. તેને અવગણશો નહીં.


હાર્ટ એટેકની પીડા અચાનક અને તીવ્ર બની શકે છે. પરંતુ જો તમે છાતીમાં ભારેપણું અનુભવો છો, તો તે સાયલન્ટ હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. છાતીમાં દબાણ અને જલન વગેરે હાર્ટ અટેકના જ લક્ષણો છે.


હાર્ટ એટેક વખતે હૃદય તરફ જતું લોહી પ્રભાવિત થાય છે. જેના કારણે હાથ, કમર, ગરદન, જડબા અને પેટની આસપાસના ભાગોમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય તો અટેકના સંકેત  છે.