સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં દૈનિક કેસો રાજ્યમાં સૌથી વધુ આવે છે. આ બધાની વચ્ચે સુરત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, છેલ્લા પાંચ દિવસથી સુરતમાં નવા આવનારા કેસો કરતા ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જેને કારણે સુરતમાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે અને આ જ કારણસર સુરત જિલ્લો એક્ટિવ કેસોની બાબતોમાં બીજા નંબરે આવી ગયો છે. તેમજ ઓછા કેસો આવતાં હોવા છતા અમદાવાદ પહેલા નંબરે આવી ગયું છે. સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં એટલે કે 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન કુલ 1153 કેસ નોંધાયા છે. જેની સામે 2053 લોકોએ આ પાંચ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. આમ, છેલ્લા પાંચ દિવસમાં નવા આવનારા કેસો કરતાં 900 લોકો વધુ સ્વસ્થ થયા છે. તેમજ એક્ટિવ કેસોમાં 946નો મોટો ઘટાડો નોંધાયો છે.
Date  Case Discharge  death
10-08-2020 236 260 8
09-08-2020 222 589 9
08-08-2020 226 549 10
07-08-2020 231 368 10
06-08-2020 238 287 9
Total 1153 2053 46
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 1056 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે, જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 72,120 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે કુલ 1138 દર્દી સાજા થયા હતા અને 29,604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,241 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,644 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.