Surat News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી નાની વયની વ્યક્તિઓમાં હાર્ટએટેકના પ્રમાણમાં વધારો થયો છે. સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી નિધન થયું છે. મળતી વિગત પ્રમાણે, નાના વરાછામાં રહેતા અને દાણા-ચણાનો વેચાણ કરતાં ટુનટુન ગોર (ઉ.વ.45) રવિ પાર્ક સોસાયટીમાં રહે છે. વહેલી સવારે તેઓ ઉંઘમાંથી નહીં ઉઠતા પરિવારના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે ફરજ પરના હાજર તબીબોએ ટુનટુન ગોરને મૃત જાહેર કર્યા હતા. તેમના અચાનક મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તેમને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી નહોતી. કાપોદ્રા પોલીસે મૃર્તદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે, જે બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.
થોડા દિવસ પહેલા સુરતના આઠવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું હાર્ટ એટેક આવાત મૃત્યુ થયું હતું. સુરત શહેરમાં આઠવા વિસ્તારમાં 42 વર્ષીય જયેશભાઈ પટેલ ટેલરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ આજે સવારે પોતાના ઘરે બાથરુમમાં ન્હાવા ગયા હતા. ન્હાવા દરમિયાન જયેશભાઈને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. પરિવારજનો તેમને તુરંત હોસ્પિટલ લઈને દોડ્યા હતા. જોકે નવી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા અને ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરી તો તેઓ મૃત્યુ પામ્યા હોવાનું માલુમ પડ્યું હતું. તબીબે તેમને મૃત જાહેર કરતા જ પરિવારના પગ તળે જાણે જમીન ખસી ગઈ હોય તેમ પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
થોડા દિવસ પહેલા એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટએટેકથી થયા હતા મોત
સુરતમાં પણ વધુ બે વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. એક સોસાયટીમાં રહેતા 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. કમલેશને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ 45 વર્ષીય રિક્ષા ચાલકનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. નફીજ ખાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ખટોદરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘણા સમય પહેલા એવું મનાતું કે ઢળતી ઉંમરે હાર્ટ એટક આવતા હોય પરંતુ હવે તો ઉંમરનો કોઈ પડાવ સ્પષ્ટ જોવા મળી જ રહ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી તો ખાસ યુવાન વયે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવવા લાગી છે જે તંત્રના માટે આંખ ઉઘાડનારી છે.