Farming News: ચોમાસાની સિઝન ચાલુ છે, અને છેલ્લા કેટલાક દિવસો વરસાદે વિરામ લીધો છે, અને હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા ખાતર ખરીદી કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે હવે વડોદરા જિલ્લાના કરજણમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જગતના તાત ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી ખાતર ડેપોમાંથી ખાતર નથી મળી રહ્યું છે. વ્યવસ્થા પર હવે સવાલો ઉઠવા લાગ્યા છે.  




મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબા લાંબી કતારો સવારથી જોવા મળી રહી છે. વરસાદી વિરામ બાદ હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા લાગ્યા છે અને આ કારણે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઇ છે,




જોકે, કરજણમાં ખાતર ડેપોની બહાર ચાર દિવસથી ખેડૂતો લાઇનો લગાવી રહ્યાં છે છતાં ખાતર નથી મળી રહ્યું. પહેલા વરસાદે પાક બગાડ્યો અને હવે ખાતર ડેપોમાંથી સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ના મળવાના કારણે જગતના તાત ખેડૂતને લાચારીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી અહીં ખાતર ડેપોની બહાર વૃદ્ધો, મહિલાઓ અને દિવ્યાંગ ખેડૂતોની લાંબી લાઇને જોવા મળી રહી છે.








યૂરિયા ખાતરના ડેપો પર ખેડૂતોની લાઇનો 


સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા યુરિયા ખાતરના ડેપો પર ખેડૂતોએ હોબાળો કર્યો હતો. યુરિયા ખાતરની ખરીદી પર નેનો યુરિયા નાઈટ્રોજનની ખાતરની થેલી ફરજીયાત આપવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોને હાલ નેનો યુરિયા નાઈટ્રોજનની જરૂર ન હોવા છતાં પણ ફરજિયાત ખાતર ડેપો પરથી આપવામાં આવી રહ્યું છે, જેને લઈ હોબાળો કર્યો. 1200 રૂપિયાની ખાતરની થેલી ફરજીયાત આપવામાં આવી રહી હોવાથી ખેડૂતો દ્વારા આ મુદ્દે તંત્રને પણ રજુઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું ખાતર મળતું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જે પોકળ સાબિત થતા હોય તેમ મોરબી, જામનગર સહિત અનેક જગ્યાએ ખેડૂતો ખાતર મેળવવા સવારથી લાઈનો લગાવી હતી. ગુજરાતમા હાલ ખરીફ સીઝન ચાલી રહી છે. વરસાદે વિરામ લેતાં અને વરાપ નીકળતા ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. થોડા દિવસ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી.


રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે. રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.