સુરત : ભુપેન્દ્ર પટેલની ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત થયા પછી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અલ્પેશ કથીરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સરકાર પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચશે અને શહિદ પરિવારના સભ્યને નોકરી આપશે તો એ નિર્ણય લેવામાં પાસ સરકારની સાથે રહેશે. 

Continues below advertisement

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારી માંગણીઓ પર ધ્યાન આપવામાં આવે. જો માંગણીઓ પર પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો એમને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. સરકાર અમારી માંગણી સ્વીકારે છે, તો સરકાર એનું એક કામ કરે છે. માંગણીઓ સ્વીકારે છે તો એની સાથે જોડાવું કે નહીં, જરૂરી નથી. ચૂંટણી અંગે આગામી દિવસોમાં નિર્ણય લઈશું. રાષ્ટ્રહીત-સમાજહીતની જે વાત કરશે, તેની સાથે અમે રહીશું. 

તેમણે પાટીદાર મુખ્યમંત્રીને લઈને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે પરિવર્તન કર્યું છે અને નવા ચહેરાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘોષિત કર્યા છે, તો પક્ષને પણ આશા હશે તો સામે સમાજને અને લોકોને જે અન્યાય સામે પીડાય છે તેમને પણ આશા છે. 

Continues below advertisement

તેમણે વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એવી ચર્ચા છે કે, આ બધી 2022ની તૈયારીઓ હોઇ શકે છે, તો એ દરેક પાર્ટીઓના વિષય હોય છે. જ્યારે સમાજહિતની વાત હોય છે તે સમાજના દરેક લોકોને સાથે લઈને લેવાતા હોય છે. આવનારા દિવસોમાં જે પણ પરિસ્થિતિ સર્જાશે, એના આધારે નિર્ણયો લઈશું. 

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.

 

ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.

 

ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે

 

ભૂપેન્દ્ર સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા

પટેલ 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન હતા. આ પહેલા તેઓ 2010 થી 2015 સુધી ગુજરાતની સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા પટેલ વિધાનસભા ચૂંટણી લડતા પહેલા સ્થાનિક રાજકારણમાં સક્રિય હતા અને અમદાવાદ જિલ્લાની મેમનગર પાલિકાના સભ્ય હતા અને બે વખત તેના પ્રમુખ બન્યા હતા. તેઓ પાટીદાર સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટે સમર્પિત સંસ્થા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી પણ છે.